ભાવનગરના નિર્મળનગરમાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો
દાળપુરીની લારી પર નાસ્તો કરતા યુવકને ચાર શખ્સોએ ઘેરી લીધો
યુવકને છરીના ઘા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો, ₹500ની લૂંટ
ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમોમાં આગેવાની લેવા જેવી બાબતે જૂની અદાવતની દાઝ રાખીને ગતરાત્રીના યુવક નાસ્તો કરવા ગયો તે વેળાએ ચાર શખસોએ યુવક પર છરી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારી શખસો યુવકના ખિસ્સામાંથી રૂ.500ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા બનાવ સંદર્ભે યુવકે નિલમબાગ પોલીસ મથકમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના નિર્મળનગર શેરી નં.9 શિવાલય ફ્લેટમાં રહેતા અને મજુરી કામ કરતા કૃપાલસિંહ ભૂપતસિંહ ચૌહાણ (ઉં.વ.35)એ નિલમબાગ પોલીસ મથકમાં આજ વિસ્તારમાં રહેતા કુશ દીપકભાઈ પરમાર, નિલેશ જયેશભાઇ, સંજય ઉર્ફે ઢબુ, એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે સવા અગિયારેક વાગ્યે માધવરત્ન બિલ્ડિંગ પાસે આવેલ મહાદેવ દાળપુરીની લારીએ નાસ્તો કરી રહ્યા હતા. તે વખતે નિર્મળનગરમાં થતા કાર્યક્રમોની આગેવાની લેવા મુદ્દે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને કુશ દીપકભાઈ પરમાર, નિલેશ જયેશભાઈ, સંજય ઉર્ફે ઢબુ તથા એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યા હતા.ચારેય શખ્સે તેઓ સાથે ગાળાગાળી કરી તું શું કામ આગેવાની લે છે. તેમ કહી એકસંપ થઈ ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. બાદ ઝપાઝપી દરમિયાન કુશ પરમારે છરી વડે કૃપાલસિંહના ડાબા પગના ગોઠણના ઉપરના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દેતા લોહીયાણ ઈજાઓ પહોંચાડી હતી.આ સાથે સંજય ઉર્ફે ઢબુએ તેઓના શર્ટના ખિસ્સામાંથી બળજબરીથી રૂ.૫૦૦ની નોટ કાઢી લઈ મોઢા પર પંચ માર્યા હતા. બાદ તેઓની બૂમાબૂમ સાંભળી તેમના મિત્રો બચાવવા પડ્યા હતા. જેથી શખ્સોએ આજે તો આ વચ્ચે પડ્યા એટલે જવા દઈએ છીએ, હવે પછી જો અમારી કોઈ મેટરમાં આગેવાની લીધી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્તને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર આપ્યા બાદ તેમને રજા આપી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ચાર શખ્સો સામે BNS એક્ટ 118(1), 309(6),115(2), 352, 351(2), 351(3),54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

