નવસારીના દાંડીવાડમાં સદી જૂની ઢીંગલાબાપાની પરંપરા આજે પણ અડગ
દર વર્ષે ઢીંગલાબાપાની ભવ્ય શોભાયાત્રા અને પૂજા-અર્ચનાનું આયોજન
આસ્થા, એકતા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની ગઈ છે.
નવસારી જિલ્લાના દાંડીવાડ ગામમાં સદી જૂની ઢીંગલાબાપાની પરંપરા આજે પણ અડગ રીતે જીવંત છે. અહીં દર વર્ષે ઢીંગલાબાપાની ભવ્ય શોભાયાત્રા અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક લોકો માટે આ શોભાયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ આસ્થા, એકતા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની ગઈ છે.
વર્ષો પહેલા નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયથી ઢીંગલાબાપાની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. ઢીંગલાબાપાની પૂજા કરી આસપાસના વિસ્તારમાં રોગચાળો ન ફેલાય અને લોકોનું રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ નવસારી દાંડીવાડ અને આસપાસના વિસ્તારોના લોકો દ્વારા જાળવી રાખવામાં આવી છે. ઢીંગલાબાપાના દર્શન અને પૂજા માટે દૂર-દૂરથી ભક્તો ઉમટી પડે છે. ખાસ કરીને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ઢોલ-નગારા, ભજન-કીર્તન અને પરંપરાગત નૃત્ય સાથે નીકળતી શોભાયાત્રાથી સમગ્ર ગામ ભક્તિમય બની જાય છે. વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌ કોઈ ઉત્સાહભેર આ પરંપરામાં જોડાઈ પેઢી દર પેઢી તેને આગળ વધારી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઢીંગલાબાપાની આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ પેઢીઓને જોડતી એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કડી છે. ઢીંગલાબાપાની કૃપાથી ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે એવી માન્યતા પણ લોકોમાં ઊંડે સુધી પ્રચલિત છે. આમ, દાંડીવાડ ગામની સદી જૂની ઢીંગલાબાપાની પરંપરા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે જીવંત છે અને દર વર્ષે આ ભવ્ય શોભાયાત્રા લોકોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે.

