વલસાડના ધરમપુરમાં રાજ ઉપહાર ગૃહની મહિલાઓનો વિરોધ વકર્યો.
15 વર્ષથી કામ કરતી મહિલાઓને પૂરતો પગાર ન મળતા આંદોલન.
300 માંથી 100થી વધુ મહિલાઓએ અન્યાય સામે અવાજ બુલંદ કર્યો.
વલસાડના ધરમપુરમાં રાજ ઉપહાર ગૃહમાં કામ કરતી 100 થી વધુ મહિલાઓ યોગ્ય પગાર ન મળતા છેલ્લા બે દિવસથી ધરણા પર બેસી વિરોધ કરી રહી છે. ધારાસભ્ય અનંત પટેલે પણ આપ્યું સમર્થન.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ જાણીતા ‘રાજ ઉપહાર ગૃહ’માં મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં છેલ્લા 15 વર્ષ જેટલા લાંબા સમયથી રોજગારી મેળવતી આદિવાસી અને સ્થાનિક મહિલાઓએ આર્થિક અન્યાય અને શોષણ સામે આંદોલનનો બ્યુગલ ફૂંક્યો છે. યોગ્ય પગાર ન મળવાને કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરી આવી છે. પોતાના હક અને અધિકાર માટે આ મહિલાઓ છેલ્લા બે દિવસથી સતત ધરણા પર બેસીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહી છે. મહિલાઓનું કહેવું છે કે, મોંઘવારીના આ સમયમાં તેમને આપવામાં આવતું મહેનતાણું ખૂબ જ ઓછું છે, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
મળતી વિગતો મુજબ, રાજ ઉપહાર ગૃહમાં કુલ 300 જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે. જોકે, છેલ્લા 15 વર્ષથી પ્રામાણિકતાથી કામ કરવા છતાં તેમને પૂરતો અને યોગ્ય પગાર આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવીને 300માંથી 100થી વધુ મહિલાઓ એકજૂથ થઈને વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. ધરણા પર બેઠેલી મહિલાઓ અને આગેવાનોએ વહીવટી તંત્ર તેમજ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં મહિલાઓની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન છેડવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

