દાહોદમાં ભીક્ષાના બહાને લૂંટ કરતી મહિલા ટોળકી ઝડપાઈ,
પોલીસે ચોરી કરેલ 5 લાખ મળી 6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભીખ માંગવાના બહાને 5 લાખની ચોરી
ગેંગને પોલીસે જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી
ભીખ માંગવાના બહાને 5 લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગમાં 6 મહિલા અને એક પુરુષ સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. પોલીસે ચોરી કરેલ 5 લાખ મળી 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ અનાજ માર્કેટમાં ભીખ માંગવાના બહાને વેપારીની નજર ચૂકવી 5 લાખ રૂપિયાની રોકડ ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં 6 મહિલા અને એક પુરુષ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ચોરીના 5 લાખ રૂપિયા અને એક લાખ રૂપિયાની ટાટા સફારી કાર સહિત કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટના 29 ઓક્ટોબરે બની હતી. અનાજ માર્કેટની એક ઓફિસમાં 6 મહિલાઓએ પ્રવેશ કરી વેપારીની નજર ચૂકવી ડ્રોઅરમાંથી 5 લાખ રૂપિયા ચોરીને ફરાર થઈ ગઈ હતી. વેપારીએ દાહોદ ટાઉન A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને શહેરમાં લાગેલા કેમેરા તપાસ્યા હતા. જેમાં આરોપીઓ સફેદ ટાટા સફારી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટેક્નિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ ઈન્દોરથી પરત દાહોદ તરફ આવી રહ્યા હોવાનું પોલીસને માલૂમ પડ્યું. આ માહિતીના આધારે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. જેમા બાતમીમાં દર્શાવેલ કાર આવતાં પોલીસે તેને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનાજ માર્કેટમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ જ ટોળકીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ચોરી કરી હતી અને ત્યાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચોરીના પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયાની કાર જપ્ત કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

