અમદાવાદમાં નવજાત દીકરાને રમાડી બહાર આવતા જ મોત મળ્યું
મિત્રોએ જ જૂના ઝઘડાની અદાવતમાં મૌતને ઘાટ ઉતાર્યો
યુવકને હોસ્પિટલ બહાર છરી વડે રહેંસી નાખ્યો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં મિત્રોએ જ જુના ઝઘડાની અદાવતમાં મિત્રની હત્યા કરી છે. મૃતક તેના નવજાત દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર આવતાની સાથે જ ત્રણેય આરોપી છરી અને લાકડી લઈને તેની પર તૂટ પડ્યા હતાં. યુવકને હોસ્પિટલની બહાર જ મોતને ઘાટ ઉતારી ત્રણેય આરોપી સ્થળેથી ફરાર થઈ ગયા હતા
અમદાવાદમાં વસ્ત્રાલ ગામમાં રહેતા રવિ ખટિકની પત્નીએ ખોખરાની સંજીવીની હોસ્પિટલમાં 1 જુલાઇના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મની ખુશીઓ થોડીક ક્ષણમાં જ માતમમાં બદલાઈ ગઈ હતી. કારણ કે, 2 જુલાઈના રોજ રવિ ખટિક પત્નીને મળવા હોસ્પિટલમાં આવ્યો હતો, દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો, જ્યાં તેના ત્રણ મિત્રો હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત ઇકોસ્પોર્ટ ગાડી લઈને આવ્યા હતાં. રવિ કઈ સમજે તે પહેલા આ ત્રણેયે લાકડીઓ- છરીથી હુમલો કરીને રવિને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક રવિ ખટિક અને આરોપીઓ હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત મિત્રો હતા. આ મામલે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મૃતક અને આરોપીઓ મિત્ર હતા જેઓ ગાડીની લે-વેચનો ધંધો કરતા હતા. મૃતક અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. તેઓ પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. એક વર્ષ પહેલાં આરોપી નિખિલ બીસ્ટના ઘરે દીકરીનો જન્મ થયો તો રવીએ આ દીકરી નિખિલની નહિ હોવાનો કટાક્ષ કર્યો હતો. ત્યારબાદથી તેમની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી અને તેઓ વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. આ દરમ્યાન રવિના ઘરે દીકરાનો જન્મ થયો તો આરોપી નિખિલ બદલો લેવા મિત્રો સાથે રવિની હત્યા કરવા આવ્યો હતો અને જાહેરમાં છરીના ઘા ઝીંકીને રવિની કરપીણ હત્યા કરી હતી. ઝડપાયેલા ત્રણ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જેમાં હાર્દિકની સામે આર્મ્સ એક્ટ, રેપ અને પ્રોહીબિશ, નિખિલ સામે પણ પ્રોહીબિન કે જે લીસ્ટેડ બુટલેગર પણ છે. સાગરની સામે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

