અમારી જમીનો છીનવાશે તો ગાંધીનગર સુધી કૂચ કરી નેપાળવાળી કરીશું
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
નાનાપોંઢા ખાતે ગુજરાત જોડો યાત્રાની સભામાં ચૈતર વસાવા લાલધુમ
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપોંઢા ખાતે ગુજરાત જોડો યાત્રાની એક જાહેર સભામાં સરકાર અને વન વિભાગ સામે આકરા પ્રહારો કર્યા છે.
નાનાપોંઢા ખાતે ગુજરાત જોડો યાત્રામાં આદિવાસીઓના હકો અને જમીન મુદ્દે સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું કે, જો પરિસ્થિતિ વણસશે તો આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરતા અચકાશે નહીં. ચૈતર વસાવાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, જે દિવસે આદિવાસીઓ તેમના તીર-કામઠાં, ભાલા અને પાલિયા લઈને રસ્તા પર ઉતરશે, તે દિવસે વન વિભાગ ક્યાંય નજરે નહીં પડે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ હથિયારો માત્ર ઘરના શણગાર માટે નથી, પરંતુ જરૂર પડ્યે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે. જો આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવશે, તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે અને ‘નેપાળવાળી’ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ચૈતર વસાવાએ ઉમેર્યું કે, તેઓ હજુ સુધી સંવાદ અને બંધારણમાં માને છે, પરંતુ જો સરકાર આદિવાસીઓને કોરિડોર કે હાઈ-ટેન્શન લાઇનના નામે પરેશાન કરવાનું બંધ નહીં કરે, તો તેઓ આરપારની લડાઈ લડશે.
ગુજરાતમાં વારંવાર બદલાતા મંત્રીમંડળ અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, મંત્રીમંડળ બદલવાથી જનતાનો વિકાસ થવાનો નથી. તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં સીધી સરકાર જ બદલી નાખવા માટે લોકોને આહવાન કર્યું હતું. વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યને ભાજપના ‘ચાવી વાળા રમકડાં’ ગણાવ્યા હતા. સાથે જ, ગુજરાત પ્રદેશમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને સમાવી લેવાની ઘટના ઉપર પણ પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા દરમિયાન કપરાડા અને નાનાપોંઢાના કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચૈતર વસાવાએ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

