ગીર સોમનાથના કેસરીયા ગામે બાળકોની માનવ સાંકળ
બાળકો માનવ સાંકળ બનાવી રોડ ક્રોસ કરવા મજબૂર
રોડ પર સ્પીડ બ્રેકર ન મૂકતા અકસ્માતનું જોખમ વધ્યું
ઉના તાલુકાના કેસરીયા ગામના દીવ રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે વારંવાર થતા અકસ્માતોને કારણે વિદ્યાર્થીઓએ અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ માનવ સાંકળ રચીને અન્ય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવે છે.તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ન મુકાતા આ પગલું લેવામાં આવ્યું છે.
કેસરીયા ગામ અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. કેસરીયાથી દીવ તરફ જતા રસ્તા પર એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો પૂરપાટ ઝડપે પસાર થાય છે, જેના કારણે અકસ્માતો સર્જાય છે. ગત 19 ઓક્ટોબરે અહીં એક ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ 22 નવેમ્બરના રોજ ઉના પ્રાંત કચેરીમાં સ્પીડ બ્રેકર મૂકવા માટે લેખિત રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા માત્ર હૈયાધારણા આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી. કેસરીયા ગામની પ્રાથમિક શાળા પણ આ જ દીવ રોડ પર આવેલી છે. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં સતત અકસ્માતનો ભય રહે છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે શાળાના શિક્ષકોએ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું એક જૂથ બનાવ્યું છે. આ જૂથના વિદ્યાર્થીઓ સાંજે શાળા છૂટ્યા બાદ માનવ સાંકળ રચીને રોડ પર ઉભા રહે છે અને બંને તરફનો વાહન વ્યવહાર 15 મિનિટ માટે બંધ કરી દે છે.
વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી લે પછી જ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના શિક્ષકોની એક જ માંગણી છે કે દીવ રોડ પર પૂરપાટ ઝડપે આવતા વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે. વાલીઓ પણ પોતાના બાળકોને સવારે અને સાંજે શાળાએ મૂકવા આવે છે, કારણ કે તેમને અકસ્માતની સતત ચિંતા સતાવે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

