લીંબડીમાં પાણીની તંગી મુદ્દે મહિલાઓનો પ્રચંડ આક્રોશ
‘જો પાણી નહીં મળે, તો હવે ધોકા લઈને આવવું પડશે’
લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હવે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. લીંબડી સ્ટેશન રોડ પર આવેલા શિવ શક્તિ નગરમાં છેલ્લા ૩ મહિનાથી પાણી ન આવતાં સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો. આજે આ વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓનું એક મોટું ટોળું નગરપાલિકા કચેરી ખાતે ધસી આવ્યું હતું અને પાલિકા તંત્ર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કચેરી ગજવી મૂકી હતી
મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો પર આક્ષેપોનો વરસાદ વરસાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી શિવ શક્તિ નગરમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી. ઉનાળાની સિઝનમાં પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દૂર-દૂરથી પાણી ભરીને લાવવું પડે છે, જેમાં પાણી ભરવા જતી વખતે એક મહિલા લપસી પડતાં ઈજાગ્રસ્ત પણ બની છે. મહિલાઓએ ચીમકી આપતા કહ્યું હતું કે ‘આ તો ટ્રેલર છે, હવે ધોકા લઈને આવીશું’. કચેરીમાં રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ સંપૂર્ણ આંદોલનના મૂડમાં જોવા મળી હતી. ભારે રોષ સાથે મહિલાઓએ તંત્રને સીધી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે
“આજે તો અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છીએ, પણ જો આવનાર સમયમાં અમારા વિસ્તારમાં પૂરતું પાણી આપવામાં નહીં આવે, તો અમારે નગરપાલિકામાં ધોકા લઈને આવવા મજબૂર થવું પડશે. મહિલાઓના આ ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને શિવ શક્તિ નગરમાં તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરે છે કે પછી આગામી દિવસોમાં મહિલાઓનું આ આંદોલન વધુ ઉગ્ર બને છે. સ્થાનિકો માટે અત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે તેમને હક્કનું પાણી ક્યારે નસીબ થશે?..

