ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ
એલસીબીએ બે આરોપીઓને ઝડપી પાડ્યા
ફેસબુક પર મિત્રતા કેળવી આધેડને હની ટ્રેપમાં ફસાવ્યાનો આરોપ
ધમકી આપી ₹3.05 લાખ પડાવ્યાનો પોલીસનો દાવો
ભાવનગરમાં હની ટ્રેપ દ્વારા એક આધેડ પાસેથી લાખો રૂપિયા પડાવવાના કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે આધેડ સાથે મિત્રતા કેળવી બાદમાં તેને ખોટી ઓળખ આપી ધમકાવી રૂપિયા પડાવ્યાનો પોલીસનો દાવો છે.
ભાવનગર LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાછળથી કાળા રંગની વેરના કાર સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ગેંગમાં સામેલ મહિલાએ ફરિયાદી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સાળંગપુરથી પરત ફરતી વખતે આરોપીઓએ ફરિયાદીની કાર રોકી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને ડ્રગ્સ અને ગાંજા સાથે સંડોવણી તેમજ યુવતીને ભગાડી લઈ જવાના આરોપમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, એન્કાઉન્ટર કરવાની ધમકી આપી 7થી 8 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે. ધમકીથી ગભરાયેલા ફરિયાદીએ કુલ 3 લાખ 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આરોપીઓને આપ્યા હતા. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. LCBએ ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઇ લાઠીયા અને રાજેશ ભીખાભાઇ કાથરોટીયાને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે બોરતળાવ પોલીસને સોંપ્યા છે. કેસમાં અન્ય ત્રણ આરોપીઓ—રમેશ ઉર્ફે કાનો સાગરકા, નિકુંજ સોલંકી અને વિલાસબેન પુરાણી—હજુ ફરાર હોવાનું પોલીસ જણાવે છે

