આગામી 20 જૂન સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને કરી મોટી આગાહી કરી
અમદાવાદમાં બફારા બાદ વરસાદનું આગમન
ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકાર અને નદીઓ ગાંડીતૂર,
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ગાંડીતૂર બની છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ હાલ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
ગઇકાલે તારીખ 15 જૂનના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આગામી 20 જૂન સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નૈઋત્ય ચોમાસું સમય કરતાં વહેલા મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું, જોકે બાદમાં ચોમાસું નિષ્ક્રિય થઇ ગયું હતું. જ્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બનતાં ચોમાસું સક્રિય થયું છે, જેથી આગામી બે-ત્રણ દિવસમાં નૈઋત્ય ચોમાસું આવી જશે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીને લઇ અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને કરી મોટી આગાહી કરી છે
ભારે બફારા બાદ સુરતમાં ફરી વરસાદની રિ-એન્ટ્રી થઇ છે. શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઇને લોકોને બફારામાંથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહીને લઇને આજે વહેલી સવારથી ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઇને અનેક નદીઓ ગાંડીતૂર થઇ છે. જ્યારે ઘણી જગ્યાએ ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વડોદરાના ડભોઇ પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસેલા વરસાદેથી ડભોઇ જળબંબાકાર થઇ હતું. ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. માર્ગો નદીઓમાં અને ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી