Site icon hindtv.in

તાપી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન

તાપી જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન
Spread the love

તાપી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન
અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સંપૂર્ણપણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો. જિલ્લા મથક વ્યારા ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકોનો જનમેદની મહાસાગર ઉમટ્યો હતો. ‘દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ’ના નારા સાથે સમગ્ર નગર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોની આ સક્રિય સહભાગીદારી અને એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. ભારત આજે વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં ઊભું રહીને વૈશ્વિક સ્તરે વિકાસ અને એકતાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે. આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા સૌને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, એકતા જ આપણી સાચી તાકાત છે.

વ્યારાના ઉનાઈ નાકા સ્થિત સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રસ્થાન પામેલી આ યાત્રામાં મંત્રીશ્રીઓ ઉપરાંત ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડસવાર દળ અને બેન્ડ પાર્ટીની સૂરાવલીઓએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ 1107 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો, જેને નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાથમાં પકડીને ભાગ લીધો હતો. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રીશ્રીઓ દ્વારા મહાત્મા ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. અંતમાં સહુએ સામૂહિક ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્રગૌરવ વ્યક્ત કર્યું હતું.

Exit mobile version