સોનગઢમાં જીએસસીએલ અને પાવર સ્ટેશન વિસ્તારનો ટ્રાફિક પ્રશ્ન
વહીવટી તંત્ર દ્વારા બેઠક બોલાવાઈ
સોનગઢ પંથકના વાગદા અને ઘોડાજૂથ ગ્રામ પંચાયત સહિતના આસપાસના 10 થી વધુ ગામડાઓના રહીશો હાલ જીએસસીએલ અને થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પોન્ડ એશના નિકાલ અને પરિવહનને કારણે ઉભી થયેલી આ સમસ્યાના ઉકેલ માટે હવે તંત્ર અને સ્થાનિક પક્ષકારો હરકતમાં આવ્યા છે.
સ્થાનિક સરપંચો દિનેશભાઈ ગામિત અને જેસનીબેન ગામિત દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, સવારના 6 વાગ્યાથી જ મુખ્ય માર્ગ પર ભારે વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આ માર્ગ આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે જીવનદોરી સમાન છે. માર્ગ પર કરાયેલા અયોગ્ય આયોજન અને બેરીકેડ્સને લીધે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ ફોન ઉપાડવાનું પણ ટાળે છે. જો આ ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.
બીજી બાજુ, આ મામલે વહીવટી તંત્ર અને પાવર સ્ટેશનના સંબંધિત અધિકારીઓ દ્વારા લેવાયેલા પગલાંની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. અગાઉ વેબ્રિજ બહાર હોવાને કારણે ઓવરલોડ વાહનોની અવરજવરની સમસ્યા રહેતી હતી, જેના નિવારણ માટે હવે એક જ જગ્યાએ બે નવા વેબ્રિજ લગાવવામાં આવ્યા છે જેથી યોગ્ય વજન થઈ શકે. ઉપરાંત, ટ્રાફિક નિયંત્રણ માટે સિંગલ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરાઈ છે. જો કે, કેનાલને સમાંતર રોડ પર આ વ્યવસ્થાના કારણે ટ્રાફિક વધ્યાની વાત સ્વીકારવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાનાર આ નવા નિર્ણયોથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને ટુ-વ્હીલર ચાલકો તથા રાહદારીઓની મુશ્કેલીઓ હળવી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ નિયમોનું કડક અમલીકરણ થાય તે જરૂરી છે.

