સુરતના વસરાઈમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો ભવ્ય પ્રારંભ
મુખ્યમંત્રીએ 858 કરોડના વિકાસકામોનું કર્યું લોકાર્પણ
વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’નો મંત્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા’નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’નો મંત્ર આ મેળા થકી સાકાર થશે. આ આયોજન આદિવાસી યુવાનોને સ્વરોજગારી માટે પ્રેરણા આપવા અને MSME ઉદ્યોગકારોને એક મંચ પૂરો પાડવા માટે કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં માર્ગ મકાન વિભાગના 858 કરોડના વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમણે આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલી રૂ. ૨ લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાને દેશ માટે દિશાદર્શક ગણાવી હતી. આ મેળામાં 370 થી વધુ બિઝનેસ સ્ટોલ્સ, 80 થી વધુ આદિવાસી વાનગીઓના સ્ટોલ્સ અને દેશભરના 700 થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા છે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયાએ જણાવ્યું કે, અહીં ઇકો-ફ્રેન્ડલી બિઝનેસ સેન્ટર સ્થાપવાનું પણ આયોજન છે. મંત્રી નરેશ પટેલે આ મેળાને આદિવાસી સંસ્કૃતિ અને હુન્નરને પ્રોત્સાહન આપવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ અંબિકા તાલુકાની રચના બદલ સરકારનો આભાર માન્યો હતો.
આ અવસરે નેશનલ કમિશન શિડ્યુલ ટ્રાઈબના ચેરમેન અંતરસિંહ આર્ય, એસટી વેલફેર સંસદીય સમિતિના ચેરપર્સન ડો. ફગ્ગનસિંહ કુલસ્તે, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધવલભાઈ પટેલ, ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજી હળપતિ, સંદીપભાઈ દેસાઈ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મોહનભાઈ કોંકણી, સામાજિક અગ્રણી માનસિંહભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ

