સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
વરાછા ઈસ્કોન મંદિરમાં 18 ફૂટ ઊંચો અને 28 ફૂટ લાંબો રથ
બહેનો દ્વારા રંગબેરંગી ભવ્ય રંગોલી તૈયાર કરવામાં આવી
સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોય તેમ વરાછા ઈસ્કોન મંદિરમાં 18 ફૂટ ઊંચો અને 28 ફૂટ લાંબો ભવ્ય હાઈડ્રોલિક રથ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ગુરૂવારે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને સુરતના વરાછા સ્થિત ઈસ્કોન મંદિરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પરિસરમાં તૈયાર કરાયેલો 18 ફૂટ ઊંચો અને 28 ફૂટ લાંબો ભવ્ય રથ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. ટ્રકની મજબૂત ચેસીસ પર નિર્માણ કરાયેલા આ રથને સંપૂર્ણ હાઈડ્રોલિક સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે, જેથી રથયાત્રા દરમિયાન સરળ અને સુરક્ષિત રીતે સંચાલન થઈ શકે. આ ભવ્ય રથ તૈયાર કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગ્યો છે અને અંદાજે 20 થી 25 જેટલા કારીગરો અને સેવકોએ દિવસ-રાત મહેનત કરી હતી. રથને આકર્ષક રંગરોગાન અને સુંદર શણગારથી સુશોભિત કરવામાં આવ્યો છે.
મંદિરમાં ભગવાન માટે પ્રસાદી, ફૂલોના હાર અને વિવિધ પૂજન સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. બીજી તરફ મોટી સંખ્યામાં મહિલા ભક્તોએ સેવાભાવથી તૈયારીઓમાં ભાગ લીધો છે. માનગઢ ચોક ખાતે બહેનો દ્વારા રંગબેરંગી ભવ્ય રંગોલી તૈયાર કરવામાં આવી છે, જે ભક્તોને આકર્ષી રહી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન તથા સેવાકાર્ય માટે મંદિરે પહોંચી રહ્યા છે.

