પલસાણાના કણાવ ગામે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
નિલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે પલસાણા તાલુકાના કણાવ ગામે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અહીં વર્ષોથી સ્વયંભૂ બિરાજમાન નિલકંઠ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
શિવજીના દર્શન અને પૂજા-અર્ચના માટે પલસાણા પંથક સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પવિત્ર અવસરે મંદિર પરિસરમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ શિવ ભક્તિના ગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર ઉત્સવનું સફળ આયોજન કણાવ ગામના અગ્રણીઓ રાજુભાઈ પટેલ, જગુભાઈ ભરવાડ, કિરણભાઈ ડીજે તથા દિનેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કણાવ ગામના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિલકંઠ મહાદેવ મંદિરનો સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે. શિવરાત્રી હોય કે પવિત્ર શ્રાવણ માસ, આ મંદિર ભક્તોની આસ્થાનું અતૂટ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો દાદાના આશીર્વાદ લેવા પહોંચે છે….

