Site icon hindtv.in

સાળંગપુરમાં દાદાને સુવર્ણ વાઘાનો શણગાર

સાળંગપુરમાં દાદાને સુવર્ણ વાઘાનો શણગાર
Spread the love

250 કિલો કેકનો પ્રસાદ, 51,000 બલૂનથી સ્વાગત
શનિવારના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ

બોટાદમાં સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આજે હનુમાન જ્યંતી નિમિતે બોટાદમાં સાળંગપુરના કષ્ટભંજન દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે, સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું, જે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. એટલું જ નહિ, 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા, શનિવાર અને હનુમાનજયંતીના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે દાદાનાં દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા છે. શનિવારે દાદાના જન્મદિવસના સમન્વયથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુરધામમાં દાદાના જન્મદિવસની ઉજવણીનો નજારો જોઈ ભક્તો ભાવવિભોર બન્યા છે

આજે વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી દરમિયાન ભવ્ય આતશબાજી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સવારે સાત કલાકે કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 7:30 કલાકે 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાદાના જન્મદિવસની ઉજવણી પર મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ખાસ 250 કિલો વજનની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. ભક્તો ડીજેના તાલે હનુમાન ભક્તિમાં ઝૂમી ઊઠ્યા હતા. ‘જય શ્રીરામ’ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઊઠ્યો. હનુમાનજયંતીના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું અને આખો મંદિર પરિસર હનુમાન ભક્તોથી ઊભરાયો હતો. છેલ્લા બે દિવસથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન માટે આવી રહ્યા છે, જે તમામ ભક્તો હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.

આ પ્રસંગે 50થી વધુ ભૂદેવો દ્વારા સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાવાનો લહાવો લીધો હતો. મંદિર પ્રશાસન દ્વારા બહારગામથી આવતા ભક્તો માટે રહેવા-જમવાની અને વાહન પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થા જાળવવા માટે 3000થી વધુ સ્વયંસેવકો કાર્યરત છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version