સુરત મહિધરપુરા પોલીસ મથકની હદમાં સોનાની ચોરી
સાંધા જ્વેલ્સ નામના દાગીના બનાવવાના કારખાનામાથી ચોરી
આરોપી સંજીબ સાધ્ય ઉર્ફે બપનને ઝડપી પાડ્યા
સુરત મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા સાંધા જ્વેલ્સ નામના દાગીના બનાવવાના કારખાનામાથી લાખોના હિરા અને સોનાની ચોરી કરી ભાગી છુટેલા બંગાળી કારીગરને સીસીટીવીની મદદથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહીધરપુરાના ભવાનીવડ મેઈન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ કારખાનામાં 16 જૂનની રાત્રે આ ચોરીની ઘટના બની હતી. કારખાનામાં કામ કરતો પશ્ચિમ બંગાળનો કારીગર સંજીબ સાધ્ય ઉર્ફે બપન બીજા દિવસે સવારે કામ શરૂ કરવાના બહાને લોકરમાંથી સોનું અને હીરા કાઢી માત્ર 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં મેનેજર નીચે પરત ફરતા સંજીબ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસમાં લોકરમાં રાખેલા 111.565 ગ્રામ સોનું અને 62.38 કેરેટના હીરા સહિત કુલ 30.42 લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આરોપીનો મોબાઇલ પણ સ્વીચ ઓફ મળતા વેપારીએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સંજીબ ચોરી કરીને ભાગતો સ્પષ્ટ દેખાયો હતો. વેપારી પ્રદીપકુમાર માઇતીએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અગાઉ પાંચ વર્ષ સુધી આ જ કારખાનામાં કામ કરી ચૂક્યો હતો અને વિશ્વાસના આધારે માત્ર 15 દિવસ પહેલાં ફરી નોકરી પર રાખવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સંજીબ સાધ્ય ઉર્ફે બપનને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે કે તેણે આ ચોરીનું કોઈ કાવતરું અગાઉથી ઘડ્યું હતું કે નહીં અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં.

