દ્રારકા રૂપણબંદરમાં ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાશ
મલીક ગેસ એજન્સીના ગોડાઉન પર પોલીસના દરોડા
પોલીસે સ્થળ પરથી કુલ 3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો
દ્વારકા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ 3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનોનો સમાવેશ થાય છે.
દ્વારકા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. એ. એલ. બારસિયા અને સ્થાનિક પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ અને તેમની ટીમે રૂપેણબંદર વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ત્રણ શખ્સો જાહેરમાં કોઈપણ સલામતીના સાધનો વગર ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરવાનું જોખમી કામ કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ 287 તેમજ વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ કરી રહ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં રૂપેણબંદરના સહાદતહુસેન અલ્તાફહુસેન મલિક, મોહમ્મદ મોહીનુદ્દીન રહીમ શેખ અને નજીર રહીમ શેખનો સમાવેશ થાય છે. સહાદતહુસેન મલિક ‘મલિક ગેસ એજન્સી’ નામે ગેસ એજન્સી અને ગેસ ચુલા રિપેરિંગનું કામ કરે છે, જ્યારે અન્ય બે તેની એજન્સીમાં કામ કરે છે. આરોપીઓ દ્વારા જાહેર સ્થળે બેદરકારીપૂર્વક ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરાતું હોવાથી આગ લાગવા અથવા વિસ્ફોટ જેવી ગંભીર ઘટના સર્જાવાની શક્યતા હતી, જેનાથી આસપાસના લોકોના જાનમાલને પણ જોખમ ઊભું થતું હતું. પોલીસે સ્થળ પરથી જુદી જુદી કંપનીના કુલ 202 ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર, ચાર ઇલેક્ટ્રિક મોટર, વાયર, પાઇપ, રેગ્યુલેટર અને વજન કાંટો સહિતના સાધનો કબજે કર્યા છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત 3,48,300 આંકવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

