સુરતમાં કચરાની ગાડીએ બાળકનો જીવ લીધો
ઉધનામાં રાતના સમયે બહેનો સાથે બહાર જતી વેળા અકસ્માત સર્જાયો.
13 વર્ષીય કાર્તિક મોહિતેનું ઘટનાસ્થળે મોત, પરિવારમાં શોક.
સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાની કચરા ગાડીના બેફામ ચાલકે બેફિકરાઈથી કચરા ગાડી હંકારી ધોરણ 8માં ભણતા 13 વર્ષીય વિદ્યાર્થીને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યુ હતું. જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.
સુરતમાં બેફામ વાહન ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી આમ જનતાની જીંદગી સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ઉધના વિસ્તારમાં બેફામ કચરા ગાડીના ચાલકે એક માસુમ ધોરણ 8ના વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે ઉધના વિસ્તારમાં રહેતા મોહિતે પરિવારનો ધોરણ 8માં અભ્યાસ કરતો 13 વર્ષીય કાર્તિક અનિલ મોહિતેને સુરત મહાનગર પાલિકાની કચરા ગાડીના બેફામ ચાલકે અડફેટે લેતા માસુમ નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. રાત્રીના સમયે કાર્તિક બહેનો સાથે બહાર નીકળતા કચરાની ગાડીએ અડફેટે લેતા મોત નિપજ્યુ હતું. હાલ તો મૃતક કાર્તિકના મૃતદેહને પી.એમ. અર્થે નવી સિવિલમાં મોકલી આપ્યો છે. તો 13 વર્ષના પુત્રનુ મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. તો પોલીસે કચરા ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.