બારડોલીની સત્ય સાઈ હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા
જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે સેવાના દ્વાર 24 કલાક ખુલ્લા
માનવ સેવા એ જ પ્રભુ સેવા આ મંત્રને માત્ર શબ્દોમાં નહીં પણ છેલ્લા 15 વર્ષથી કર્મમાં ઉતારી રહી છે બારડોલીની સત્ય સાઈ હોસ્પિટલ જ્યાં જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે સેવાના દ્વાર 24 કલાક ખુલ્લા રહે છે.
આજે જ્યારે દવા અને હોસ્પિટલ સામાન્ય માણસની પહોંચી દુર છે અને જો કોઈ માનવી આવે તો જાણે માથે આભ તૂટ્યું હોય તેવું લાગે છે ત્યારે બારડોલીની સત્ય સાઈ હોસ્પિટલ હજારો લોકો માટે આશાની કિરણ સાબિત થઈ રહી છે. આ હોસ્પિટલમાં જાતિ, ધર્મ, અમીર ગરીબના ભેદ વગર મફત ઈલાજ કરવામાં આવે છે અહીં દવા કે ફાઈલ ચાર્જ ડોક્ટરનો કન્સલ્ટિંગ ચાર્જ એવું કશું હોતું નથી અહીં માત્ર દર્દીએ આવવાનું છે. અને પોતાની સારવાર લેવાની છે. સત્ય સાંઈ હોસ્પિટલમાં આંખના રોગો તેમજ દાંતના રોગો નો ઈલાજ કરવામાં આવે છે જેમાં આંખના ઓપરેશન લેન્સ નવા દાંત બેસાડવા વગેરે તદ્દન મફત કરવામાં આવે છે સાથે સાથે અહીં ફિઝીયોથેરાપી પણ છે, દરરોજ બપોરે બે થી પાંચના સમયમાં અહીં ફિઝિશિયન ડોક્ટર પણ વિઝીટમાં રહે છે, આ અધ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલમાં ટૂંક સમયમાં હૃદય રોગ સંબંધિત સારવાર ની સુવિધા પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે.
આ હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને ઈલાજ ની સાથે સાથે મહિલાઓ આત્મ નિર્ભર થાય તે માટે મફત સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ના કોર્સ પણ કરાવવામાં આવે છે જેનો લાભ અત્યાર સુધી મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવી શકી છે સાથે સાથે અહીં દાખલ થનાર દર્દીઓ ઈલાજ કરાવ્યા બાદ હસી ખુશીથી ડીસ્ચાર્જ લઈ તેમનું આરોગ્યપ્રદ જીવન ગુજારે છે અને આ હોસ્પિટલની સેવાને ખૂબ બિરદાવે છે.
આમ તો વિવિધ ટ્રસ્ટ મોટી મોટી હોસ્પિટલ ખોલે છે અને સેવા ના નામે ખાનગી હોસ્પિટલ કરતા પણ વધુ ચાર્જ લેતી હોય છે તેવામાં બારડોલી ની આ સત્ય સાઈ હોસ્પિટલ ને કારણે આજે છેવાડા નો માનવી પણ વિના મૂલ્યે શ્રેષ્ટ સારવાર મેળવી રહ્યો છે જે ઉદાહરણ રૂપ છે…..

