ભાવનગરના સુભાષનગરમાં અર્ટીગા કારે ચાર મહિલાઓને અડફેટે લીધી
વિજયચોક નજીક પુરઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત
અકસ્માતમાં ચારેય મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી
એક મહિલાના માથામાં 14-15 ટાંકા આવ્યા
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા વિજયચોક નજીક ગઈકાલે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં પોતાના ફઈજીના ઘરે ખબર-અંતર પૂછીને પરત ફરી રહેલી એક જ પરિવારની ચાર મહિલાઓને પુરઝડપે આવતી અર્ટીગા કારના ચાલકે અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવી છે.આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ચિત્રા વિસ્તારમાં આવેલા સહયોગ સોસાયટીમાં રહેતા શાંતુબેન દિલીપભાઈ ગોહેલ ઉં.વ. 60 તેમના દેરાણીઓ મીનાબેન, દર્શનાબેન અને જ્યોતીબેન સાથે સુભાષનગર વિજયચોક ખાતે રહેતા તેમના ફઈજી ચંપાબેન સોલંકીના ઘરે ખબર કાઢવા ગયા હતા. ત્યાંથી ખબર કાઢીને ચાલીને પરત ફરી રહ્યા હતા ત્યારે શંકરના મંદિર વાળા ખાંચા પાસે સામેથી પુરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી અર્ટીગા કાર નં. GJ-33-T-5775એ ચારેય મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તેમજ મહિલાઓના સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા. બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા, અલગ-અલગ 108 મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ડોક્ટરો દ્વારા 14 થી 15 ટાંકા લેવામાં આવ્યા છે, તેમજ પગ અને ખભાના ભાગે મૂઢ ઈજાઓ થઈ છે. કમર અને સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચતા ફેક્ચર (ગોળાનું ઓપરેશન) થવાનું નિદાન થયું છે., કમર અને હાથ-પગના ભાગે મૂઢ ઈજાઓ તથા છોલાણ થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોએ અકસ્માત સર્જનાર અર્ટીગા કારના ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા. આ અંગે ઈજાગ્રસ્ત શાંતુબેન ગોહેલે સર.ટી. હોસ્પિટલના વોર્ડ નં. 9 ખાતેથી બેફિકરાઈથી કાર ચલાવી માનવ જિંદગી જોખમાવે તેવી રીતે અકસ્માત સર્જનાર અર્ટીગા કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

