સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મીઓ દારૂની ખેપ મારતા ઝડપાયા,
એલસીબી જવાન પર કર્યો જીવલેણ હુમલો
નવસારી જિલ્લાના એંધલ ગામ પાસે હાઈવે પર ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાન કારમાં સવાર નશામાં ધૂત સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મીઓ સહિત પાંચ શખ્સોએ ફરજ પરના એલસીબી જવાન સાથે ગાળાગાળી કરી લાકડી વડે હુમલો કર્યો હતો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વેસ્મા નજીક નાઝ હોટલ પાસે નાકાબંધી ગોઠવી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 64 બોટલ વિદેશી દારૂ, સ્વિફ્ટ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 5.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં સુરત રીજન-2 ટ્રાફિકના પોલીસકર્મી અંકિતભાઈ દેવડા, દિતાભાઈ ચૌહાણ અને રાહુલકુમાર ધ્રાંગી તેમજ સુરત રીજન-3 ટ્રાફિકના પોલીસકર્મી પીન્ટુભાઈ ડુંગાઈસાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હીરા ઘસવાનું કામ કરતા ખાનગી વ્યક્તિ દેવરાજભાઈ રબારીની પણ ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

