જૂનાગઢના કાલવાણી ગામે પૂર્વ સરપંચના પુત્રએ કર્યો આપઘાત
ભાવસિંગ નામના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મૃતકે આપઘાત પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો બનાવ્યો
જૂનાગઢના કેશોદ તાલુકાના કાલવાણી ગામે યુવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 30 વર્ષીય ભાવસિંહ ધાનાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
જૂનાગઢના કેશોદ તાલુકાના કાલવાણી ગામે યુવાનના આપઘાત મામલે મૃતકના પિતાના આક્ષેપ મુજબ, ગામના અનિરુદ્ધસિંહ જખિયા દ્વારા સતત ધમકી આપવામાં આવતી હતી. ચાર મહિના પહેલા પણ આ જ કારણે મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ધ્યાન ન આપતા આ ઘટના બની હોવાનો આરોપ છે. ઘટના પહેલા મૃતકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે અન્ય વ્યક્તિઓના નામ લીધા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ગામના 30 વર્ષીય યુવાન ભાવસિંગ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ ભૂમાફિયાના માનસિક ત્રાસથી કંટાળીને ગત 27 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનના પિતાએ ગામના જ અનિરુદ્ધસિંહ જખીયા નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે, ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને તેમણે પોતે પણ ત્રણ મહિના પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ પોલીસ ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાને બદલે સામા પક્ષે તેમના દીકરા પર જ ફરિયાદ નોંધી દીધી હતી. અમુભાઈએ રોષ સાથે જણાવ્યું કે, જો તે સમયે પોલીસે અમારી વાત સાંભળી હોત અને ન્યાય આપ્યો હોત, તો આજે મારો દીકરો જીવતો હોત. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા દીકરાનો મૃતદેહ સ્વીકારીશ નહીં.
આત્મહત્યા કરનાર મયુરે જીવ ટૂંકાવતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખીયા તેને સતત ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. મૃતક મયુરના પિતા અમુભાઈ ધાનાએ જણાવ્યું હતું કે, આ શખસ અવારનવાર ધમકીઓ આપતો હતો. આ બનાવના દિવસે સાંજે 5 વાગ્યાના અરસામાં તેણે બાપ-દીકરા બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમુભાઈ કેશોદથી પરત ઘરે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે કેશોદ એસ.પી. બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, કાલવાણી ગામના યુવાનના આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અમુભાઈની રજૂઆતના આધારે આરોપી અનિરુદ્ધસિંહ જખીયા વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ વાઈરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાઓને આધારે પોલીસ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
