પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
રાઘવજી પટેલ વિરુદ્ધ અભદ્ર અને આક્ષેપ કરતી પોસ્ટ
આઈડી ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે આઈડી ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગઇકાલે જામનગરના એક બિલ્ડર પિતા-પુત્રએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે આ મામલે ભારે ચકચાર જાગી છે. પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને ‘આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર’ જેવું લખાણ લખીને બે ID ધારકોએ ફેસબૂક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પૂર્વ મંત્રીએ બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. રાઘવજી પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફેસબુક ID વપરાશકર્તા વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામ ID વપરાશકર્તા વી. કણસાગરા77 એ તેમના ફોટા તેમની મંજૂરી વગર મેળવી લીધા હતા અને આ ફોટોગ્રાફ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એડિટ કરીને વિકૃત કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ આરોપીઓએ બદનક્ષી થાય તેવા લખાણ સાથેના ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને વીડિયો બનાવીને પૂર્વ મંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. આ કૃત્ય પાછળ સમાજમાં બદનક્ષી કરવી, નાણા પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ઇરાદો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જામનગર સાયબર ક્રાઈમે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(2), 331(4), 352, 351 તથા આઈ.ટી. એક્ટ કલમ 11(સી) હેઠળ રાઘવજી પટેલની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

