અમરેલીમાં સિંહોના મોતને લઈને વનમંત્રીની મુલાકાત.
જસાધાર એનિમલ કેર સેન્ટરની લીધી મુલાકાત.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સેન્ટર પર કરી સમીક્ષા.
ગીર સોમનાથના ગીરમાં સિંહના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે વન મંત્રી અર્જુન મોઢવાડીયા જામવાળા વન વિભાગના રેસ્ક્યું સેન્ટરે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે વાતચીત કરી મોતને લઈ તાગ મેળવ્યો હતો, હાલમાં ગીરમાં 8 સિંહના મોતને લઈ વનવિભાગ તપાસ કરી રહી છે.
ગીર સોમનાથના ગીરમાં સિંહના મોત મામલે વનમંત્રી અર્જુનમોઢવાડિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે, ગીર ગઢડા અને અમરેલી વિસ્તારમાં સિંહબાળોના મૃત્યુ થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ આ મોત ‘બેબેસિયા’ વાયરસને કારણે થયા હોવાનું જણાય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારને આઇસોલેટ કરવામાં આવ્યો છે અને તે વિસ્તારના સિંહોને પણ અલગ તારવવામાં આવ્યા છે. મંત્રીએ દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસથી કોઈ નવું મોત નોંધાયું નથી અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં કુલ 8 સિંહબાળોના શંકાસ્પદ વાયરસથી મોત થયા છે, જ્યારે અન્ય મોત ઇનફાઇટ અથવા કુદરતી કારણોસર થયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં સિંહો વસવાટ કરતા સ્થળોમાં જૂનાગઢમાં સિંહની સંખ્યા 191, ભાવનગરમાં 116, અમરેલીમાં 339, પોરબંદરમાં 16, ગીર સોમનાથમાં 222, રાજકોટમાં 6, દેવભૂમિ દ્વારકામાં 1 છે. રાજ્યમાં વન વિભાગ દ્વારા 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી જેમાં 11 જિલ્લાના 58 તાલુકોઓને સમાવેશ કરાયો હતો.જેમાં વર્ષ 2015 માં 523 અને વર્ષ 2020માં 674 હતી તે હવે વર્ષ 2025માં વધીને 891 સિંહોની સંખ્યા થઈ છે.
સમગ્ર મામલે અરણ્ય ભવન ખાતે PCCF ડો.જયપાલસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મૃત સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો સામે આવ્યા છે અને હાલ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. તેના માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે એક સપ્તાહ બાદ રિપોર્ટ આવશે. વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટાઈન કર્યા છે. જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. હાલ વેટરનરી ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ-રાત વ્યસ્ત છે. PCCF ડો. જયપાલસિંહના જણાવ્યા અનુસાર, 12 ડોક્ટરોની વિશેષ ટીમ સતત સારવાર અને મોનીટરીંગ કરી રહી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

