બોધાનની સીમમાં ક્રેટા કારમાંથી રૂ.4.14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો,
સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની કાર્યવાહી,
કાર સહિત કુલ રૂ.14.19 લાખનો મુદ્દામાલ કબજે
તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોધાન ગામની સીમમાં વાવયાખાડી પાસેથી સુરત ગ્રામ્ય એલસીબી તથા પેરોલ-ફર્લો સ્ક્વોડે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. પોલીસે હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે કારનો ચાલક અને તેની બાજુની સીટ પર બેઠેલો શખ્સ પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઈ ઝાડી-ઝાંખરામાં ફરાર થઈ ગયો હતો.
પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમો દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન ASI દિપકભાઈ આનંદરાવ તથા ASI રોહિતભાઈ બાબુભાઈને બાતમી મળી હતી કે, સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર નં. GJ-16-DS-1735માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘલા તરફથી બોધાન જવાના રોડ પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે વાવયાખાડી પાસે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કારચાલકે કાર ઉભી રાખવાને બદલે પુરઝડપે હંકારી નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રોડ પર ચાલી રહેલા પુલના બાંધકામ સ્થળે મૂકવામાં આવેલા બેરીકેટ સાથે કાર અથડાઈ હતી.કાર અથડાયા બાદ ચાલક અને તેની બાજુમાં બેઠેલો શખ્સ કારમાંથી ઉતરી અંધારાનો લાભ લઈ નજીકની ઝાડી-ઝાંખરામાં નાસી ગયા હતા. પોલીસે આસપાસ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બંને મળી આવ્યા ન હતા. ત્યારબાદ કારની તલાશી લેતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2041 બોટલ/ટીન વિદેશી દારૂ, જેની કિંમત રૂ. 4,14,492, હ્યુન્ડાઇ ક્રેટા કાર કિંમત રૂ. 10 લાખ, મોબાઇલ ફોન રૂ. 5 હજાર સહિત કુલ રૂ.14,19,492નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં ક્રેટા કારનો અજાણ્યો ચાલક તથા ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલો અજાણ્યો શખ્સ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંનેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

