Site icon hindtv.in

સુરતના 6 મોટા ગરબા આયોજનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ, 116 સ્ટોલની તપાસ

સુરતના 6 મોટા ગરબા આયોજનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ, 116 સ્ટોલની તપાસ
Spread the love

સુરતના 6 મોટા ગરબા આયોજનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ, 116 સ્ટોલની તપાસ
ગરબા આયોજનોમાં ખાદ્યપદાર્થોના 113 નમૂના લેવાયા,
ખેલૈયાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મનપા એક્શનમાં,

સુરતમાં નવરાત્રિના ગરબા આયોજનો દરમિયાન ખેલૈયાઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હોય તેમ શહેરમાં યોજાયેલા છ મોટા ગરબા આયોજનોમાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં 116 ફૂડ સ્ટોલની તપાસ કરી કુલ 113 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે નિયમોના ભંગ બદલ 43 નોટિસ ફટકારવામાં આવી છે.

નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ પર ખાણીપીણીના સ્ટોલમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે તપાસ અભિયાન તેજ કર્યું હોય તેમ 12 અને 13 ઓક્ટોબરના રોજ શહેરના છ મોટા ગરબા આયોજનોમાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કુલ 116 ફૂડ સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી શંકાસ્પદ તથા પરીક્ષણ માટે જરૂરી એવા 113 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે નિયમભંગ બદલ વિવિધ સ્ટોલ સંચાલકોને કુલ 43 નોટિસ ફટકારવામાં આવી છે. મનપાની તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો બનાવતા અને પીરસતા કારીગરોને એપ્રોન, ટોપી અને ગ્લોવ્ઝ પહેરવા તેમજ સ્ટોલ પર સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વેપારીઓને હંગામી લાઇસન્સ મેળવવા માટે માર્ગદર્શન આપી તાત્કાલિક લાઇસન્સ લેવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. તો ફુડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ 113 નમૂનાઓને પરીક્ષણ માટે સુરત મહાનગર પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, મનપા દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલ-2026માંથી પણ વિવિધ ખાદ્યચીજોના 20 નમૂના લેવામાં આવ્યા છે. જે અંગે માહિતી અપાઈ હતી.

Exit mobile version