ભાવનગરમાં પશુઓના તબેલામાં સૂકા ઘાસમાં આગ
ભાવનગરના મંત્રેસ કોમ્પ્લેક્સ નજીક કૈલાશ સોસાયટીની ઘટના
પશુઓના તબેલામાં સંગ્રહ કરેલા સૂકા ઘાસમાં અચાનક આગ લાગી
આગને પગલે વિસ્તારમાં દોડધામ મચી
ભાવનગર શહેરના મંત્રેસ કૉમ્પ્લેક્સ નજીક કૈલાશ સોસાયટીમાં આવેલ પશુઓના તબેલામાં માલઢોર માટે સંગ્રહ કરેલા સૂકા ઘાસમાં અચાનક આગ લાગી હતી.
આગની જાણ ફાયર વિભાગને થતા ત્રણ ફાયર ફાઈટરની ટિમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આશરે 15 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં તબેલામાં બાંધેલી ચાર ભેંસોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે તબેલામાં આગ કયા કારણસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. તબેલામાં સુકાઘાસના કારણે આગ લાગી શહેરમાં મંત્ર કૉમ્પ્લેક્સ નજીક શીતળા માતાના મંદિર પાસે આવેલી કૈલાશ સોસાયટીના પ્લોટ નં. 90માં ઘનશ્યામભાઈ ઢાપાની માલિકીનો પશુઓનો તબેલામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં માલઢોર માટે સંગ્રહ કરેલું સૂકું ઘાસ આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગે 112 (જનરક્ષક) દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો સાધનો અને પાણીના ટેન્કર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ સત્વરે કામગીરી હાથ ધરી સતત પાણીનો મારો ચલાવી આગને આસપાસના મકાનો અને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી. આગ અને ધુમાડાના કારણે ચાર ભેંસના મોત ફાયર સ્ટાફે ત્રણ ગાડી અંદાજિત 15 હજાર લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ ભીષણ આગમાં તબેલામાં પશુઓના ચારા માટે સંગ્રહ કરીને રાખવામાં આવેલું મોટા પ્રમાણમાં સૂકું ઘાસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તબેલાની અંદર કાળઝાળ ગરમી અને ધુમાડાના કારણે બાંધેલી ચાર ભેંસો બહાર નીકળી શકી ન હતી અને ચારેય ભેંસ જીવતી જ આગમાં ભુંજાઈ જતાં કરુણ મોતને ભેટી હતી..

