સુરતના મહિધરપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બે સમાજ વચ્ચે મારામારી
કુંભારવાડા ખાતે મારામારી અને તોડફોડ થતા પરિસ્થિતિ તંગ
પોલીસ દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું
સુરતના મહિધરપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બે સમાજ વચ્ચે થયેલી નોકઝોક બાદ કુંભારવાડા ખાતે મારામારી અને તોડફોડ થતા પરિસ્થિતિ તંગ બનીહતી જેને લઈ પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જો કે પોલીસ દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા કુંભારવાડા પાસે પાર્કિંગ મુદ્દે કુંભાર અને વ્હોરા સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. મામલો વધતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે મહિધરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળાને છૂટા પાડવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવી સમાધાન કરાવવામાં આવ્યું હતું. હાલ વિસ્તારમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને બંને સમાજના લોકો રમજાન અને ઇદની તૈયારીઓમાં લાગી ગયા છે.

