સુરતના આદિનાથ માર્કેટમાં ભીષણ આગ,
ત્રીજા માળની દુકાન આગની લપેટમાં
માનદરવાજા ફાયર સ્ટેશન સામે જ આગની ઘટના
આદિનાથ માર્કેટમાં આગ પર કાબૂ મેળવવા 16થી વધુ ફાયર ફાઈટિંગ ગાડીઓ કામે લાગી
સુરતના માનદરવાજા ફાયર સ્ટેશનની સામે આવેલા આદિનાથ માર્કેટના ત્રીજા માળે આવેલી એક દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે 16થી વધુ ફાયર ફાઈટિંગ ગાડીઓની મદદથી પાણીનો મારો કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી આદિનાથ માર્કેટમાં આગની ઘટના બની હતી. માર્કેટના ત્રીજા માળે આવેલી એક દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખાસ વાત એ છે કે માર્કેટની સામે જ માનદરવાજા ફાયર સ્ટેશન આવેલું છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને અનેક ફાયર ફાઈટિંગ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 16થી વધુ ફાયર ફાઈટિંગ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવાયો હતો. માર્કેટના ત્રીજા માળે આગ લાગી હોવાથી આગને કાબૂમાં લેવા ફાયરને ભારે જહેમત કરવી પડી હતી. જો કે આગ પર ભારે જહેમતે ફાયરે કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

