સુરતના ગોડાદરામાં ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ
ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા
6 ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરતના ગોડાદરામાં ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા જેને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો.
સુરતના ગોડાદાર દેવદ ગામમાં આવેલા પતરાના શેડમાં ફર્નિચર બનાવવાનું તેમજ સંગ્રહ કરવાનું કામ ચાલતું હતું. આજે અચાનક કોઈ અગમ્ય કારણોસર એક ગોડાઉનમાં આગ લાગી હતી. ફર્નિચર બનાવવા માટે વપરાતા લાકડા, ગુંદર અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગની ઝપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કુલ 6 ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા જો કે પતરાના શેડ હોવાને કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે ભારે જહેમત બાદ ફાયરની ટીમે ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં લાખોનો નુકશાન થયો હોવાનો અનુમાન લગાવાઈ રહ્યુ છે.

