ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગકારોનું ઉપવાસ આંદોલન.
આવતીકાલથી ગાંધીનગરમાં જીપીસીબીની કચેરી ખાતે વિરોધ.
સીઇપીટી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ થતા ઉદ્યોગકારો નારાજ.
અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપીપ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિએ આ ઉપવાસ માટે મામલતદાર પાસે પરવાનગી માંગી છે.
અંકલેશ્વરના ઉદ્યોગકારો એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીએ મામલતદારને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, AWMA દ્વારા આધુનિક ટેકનોલોજીથી સજ્જ CETP પ્રોજેક્ટ માટે CCA મંજૂરી મેળવવા છેલ્લા એક વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં GPCB દ્વારા પરવાનગી આપવામાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબને કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે. ત્યારે ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે
રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે, જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ અને તેમના સહભાગીઓ 30 માર્ચ, 2026 ના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૦ એ માં આવેલા GPCB હેડ ઓફિસ, પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ પર બેસશે. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે. ઉદ્યોગકારોના આ આક્ષેપોને પગલે હવે જિલ્લા પ્રશાસન અને GPCB આ મામલે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

