Site icon hindtv.in

તાલાલામાં સુગર મિલ સામે ખેડૂતોનો વિરોધ.

તાલાલામાં સુગર મિલ સામે ખેડૂતોનો વિરોધ.
Spread the love

તાલાલામાં સુગર મિલ સામે ખેડૂતોનો વિરોધ.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત પ્લાન્ટમાં શેરડીની કાપણી ન થતા રોષ.
સુગર કેન વિભાગના અધિકારી યજ્ઞેશ કુમારને લેખિત રજૂઆત

તાલાલા સુગર ફેક્ટરી ખાતે શેરડી કટાઈમાં વિલંબ થતા ખેડૂતોએ સામૂહિક રજૂઆત કરી હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા હસ્તગત કરાયેલા આ પ્લાન્ટમાં શેરડી આપવા નોંધણી કરાવનાર અનેક ખેડૂતોની શેરડી હજુ કપાઈ નથી. ખેડૂતોએ સુગર કેન વિભાગના અધિકારી યજ્ઞેશ કુમારને લેખિત રજૂઆત કરી હતી.

તાલાલા સુગર ફેક્ટરી ખાતે શેરડી કટાઈમાં વિલંબ થતા ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી શેરડીનો પાક કટાઈના અભાવે સુકાઈ રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર બે દિવસના વાયદા આપવામાં આવે છે, પરંતુ શેરડી કટાઈ માટે મજૂરોની ટુકડીઓ કે હાર્વેસ્ટર મશીનો મૂકવામાં આવતા નથી. આના કારણે ખેડૂતોનો પાક બગડી રહ્યો છે અને ઉનાળુ વાવેતરનો સમય પણ મોડો થઈ રહ્યો છે. ખેડૂતોની લેખિત રજૂઆતના જવાબમાં સુગર કેન અધિકારીએ 20 તારીખથી શેરડી કટાઈ શરૂ કરવાની લેખિત ખાતરી આપી હતી. આ આશ્વાસન બાદ ખેડૂતો ત્યાંથી રવાના થયા હતા. જોકે, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો 20 તારીખથી કટાઈ શરૂ નહીં થાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શેરડીના પાકના વળતરની માંગ કરવામાં આવશે.

ખંઢેરી ગામના ખેડૂત અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ચાવડા જયસિંહએ જણાવ્યું હતું કે, ફેક્ટરી વારંવાર વાયદા આપી રહી છે. તેમણે માંગ કરી હતી કે ખેડૂતોને તેમના શેરડીના પાકની રકમનો ચેક તાત્કાલિક આપવામાં આવે, ત્યારબાદ ફેક્ટરી ભલે શેરડીની કટાઈ ગમે ત્યારે કરાવે અથવા તેને સળગાવે. તાલાલા સુગર યુનિટ તેના નિર્ધારિત સમય કરતાં એક મહિનો મોડું શરૂ થયું છે. જૂના પ્લાન્ટના રિનોવેશન અને નવી મશીનરી ઇન્સ્ટોલ કરવામાં મશીનરી મોડી મળવાને કારણે પ્લાન્ટ શરૂ કરવામાં વિલંબ થયો હતો. આ ઉપરાંત, શેરડી કટાઈ માટે પરપ્રાંતમાંથી આવતા મજૂરોની અછત પણ એક મોટી સમસ્યા બની છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version