Site icon hindtv.in

વાવ જમીન સંપાદન મામલે ખેડૂતનો આક્રોશ.

વાવ જમીન સંપાદન મામલે ખેડૂતનો આક્રોશ.
Spread the love

વાવ જમીન સંપાદન મામલે ખેડૂતનો આક્રોશ.
વળતરમાં અન્યાય થતા ખેડૂતે કરી ઈચ્છા મૃત્યુની માગ
પ્રધાનમંત્રી સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી

વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. એક ખેડૂતે મામલતદારને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, એક જ ગામ અને એક જ પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા છતાં વળતરમાં અસમાનતા જોવા મળી રહી છે. ખેડૂતે વળતરની નોંધ સ્થગિત કરવાની અને પૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે, અન્યથા આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે

નર્મદા નિગમ દ્વારા વાવ ગામમાં એક જ નાણાકીય વર્ષમાં જમીન સંપાદન કરાયું છે. LAQ કેસ નંબર 84/2024 અને 79/2024માં સંબંધિત ખેડૂતોને જંત્રીના બે ગણા વળતર સાથે 12% અને 15% વ્યાજ સહિતનું પૂર્ણ વળતર મળ્યું છે. જોકે, તે જ પ્રોજેક્ટ હેઠળના LAQ કેસ નંબર 173/2024માં, સર્વે નંબર 1620.001માં જંત્રીના માત્ર 0.5 ગણા વળતર અને 12% વ્યાજમાં કપાત કરીને આંશિક વળતર આપવામાં આવ્યું છે. આને લઈને ખેડૂતે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોના વિરોધમાં વાંધો ઉઠાવ્યો છે. પત્ર લખનાર વેંઝિયા નરેશકુમાર રાણાજીએ જણાવ્યું કે, તેઓએ આ મામલે મામલતદાર કચેરીથી લઈને ભારત સરકારના પ્રધાનમંત્રી સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં તેમને કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી. તેમણે આંશિક વળતરનો ચેક સ્વીકાર્યો નથી, તેમ છતાં તેમની જમીનને ‘સંપાદિત’ તરીકે નોંધવામાં આવી છે, જેને તેઓ ગેરવાજબી ગણાવે છે.

ખેડૂતે પત્રમાં વિનંતી કરી છે કે, પૂર્ણ અને સમાન વળતર ચૂકવાય ત્યાં સુધી જમીન સંપાદનની નોંધ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. વધુમાં, બાકી રહેલા 0.5 ગણા જંત્રી ભાવ અને 12% વ્યાજ સાથે ન્યાયસંગત એવોર્ડ જાહેર કરી વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર નિર્ણય નહીં લેવાય તો, તેઓ નર્મદા કેનાલમાં જંપ લાવી જીવન ટૂંકાવવાની ચીમકી આપી છે, અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ પર રહેશે તેમ જણાવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version