છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોના ખેતરો સૂકા ભટ્ટ
ખેડૂતોને સિંચાઈનું પાણી નહી મળતા ખેડૂતોમાં રોષ
કેનાલોમાં ઠેર ઠેર તિરાડો અને ગાબડાઓ પડ્યા
છોટાઉદેપુર તાલુકાના નાલેજ સહિત ત્રણ ગામોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહી મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, ખેડૂતોના ખેતરો સૂકા ભટ્ટ જોવા મળ્યા છે.
છોટાઉદેપુરથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલ નાલેજ સહિત ત્રણ ગામોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા નાલેજ ગામે ડેમ બનાવવામાં આવેલ છે. જે ડેમ અત્યારે છલોછલ ભરાયેલું હોવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી. નાલેજ, ઓલિઆંબા, પાધરવાટ અને સિમલ ફળિયા ગામમાં આ ડેમ મારફત ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું. પરંતુ સિંચાઈ વિભાગની કેનાલો વર્ષો જૂની હોય જેથી જર્જરીત બની છે. અને કેનાલોમાં ઠેર ઠેર તિરાડો અને ગાબડાઓ પડ્યા છે. કેનાલોમાં જારી જાખરાઓ ઊગી નીકળ્યા છે. અને હજારો લીટર પાણી ખેડૂતોને મળવાની જગ્યાએ વેડફાઈ રહ્યું છે.
ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોના ખેતરો સૂકા ભટ્ટ બન્યા છે. અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કેનાલો નવી બનાવવામાં આવી નથી. ખેડૂતોની માંગ છે, કે તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે કેનાલો નવી બનાવે અને ખેડૂતોને પાણી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે….

