Site icon hindtv.in

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત
Spread the love

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત
વાવણી બાદ લાંબા વિરામને કારણે જમીનમાં ભેજ ઘટ્યો
કપાસ, મગફળી અને સોયાબીન જેવા ઊભા પાકો સુકાવા લાગ્યા.

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 72 કલાકથી ચોમાસું સુરત આસપાસ સ્થિર રહ્યું છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધ્યું નથી. પરિણામે અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે ગુજરાતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ચોમાસું સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી જ પહોંચ્યું છે. 23 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. સામાન્ય રીતે આ સમય સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ અંદાજે 50 ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે. જૂનના અંત સુધીમાં જ્યાં ખરીફ પાકની વાવણી મોટા પ્રમાણમાં થઈ જતી હોય છે, ત્યાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો સિવાય હજુ પણ મોટા ભાગના જિલ્લામાં પૂરતી વાવણી થઈ શકી નથી. ત્યારે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાવણી બાદ લાંબા વિરામને કારણે જમીનમાં ભેજ ઘટતાં કપાસ, મગફળી અને સોયાબીન જેવા ઊભા પાકો સુકાવા લાગ્યા છે

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અલગ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણની અસરથી 30 જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ થઈ શકે છે. જ્યારે પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version