સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી બનાવટી ચલણી નોટ પકડાય

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી બનાવટી ચલણી નોટ પકડાય
એટીએસએ 500 રૂપિયાના દરની 1,59,500 ની નોટ ઝડપી

 

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખસની ધરપકડ કરી બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે.
કામરેજ ખાતે રહેતો સત્યનારાયણ દેવીલાલ તેલી ઝડપાયો

નકલી નોટોના ગોરખ ધંધાનો અમદાવાદ એટીએસએ પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક ઈસમ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો છે. તેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો. બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, આ સત્યનારાયણ દેવીલાલ તેલી 22 જુલાઈ 2025ના રોજ પોરબંદર-કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલ્વે સ્ટેશન પર પહોંચવાનો હતો. ટ્રેન વહેલી સવારે 3:30 વાગ્યે સુરત પહોંચવાની હતી. આ માહિતીના આધારે એટીએસની ટીમ ઉધના રેલ્વે સ્ટેશન બહાર બાતમી મુજબના શખસની વોચમાં ગોઠવાઈ ગઈ હતી. અને બપોરે બાતમી મુજબનો ઈસમ કાળા કલરના થેલા સાથે જોવા મળતા જ તેને તુરંત રોકી લેવામાં આવ્યો હતો. તેણે પોતાનું નામ મુળ રાજસ્થાનના ચિત્તોડગઢનો અને હાલ કામરેજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટો હોવાનું કબૂલ્યું. તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા, બ્લુ અને લીલા રંગની શાલ કાઢી, જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલ 500 રૂપિયાના દરની ચલણી નોટો બતાવી. આ નોટો નકલી ચલણી નોટો હોવાનું તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. એટીએસએ પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે પોતે આ નકલી ચલણી નોટો પશ્ચિમ બંગાળના માલદાના કાલિયાચોક જોથેનપુર ગ્રામ પંચાયતમાં આવેલ શુકપરા ગામ ખાતે રહેતા તાહીર ઉર્ફે કાલી રઈજુદીન શેખ પાસેથી ખરીદી હતી. તેણે તાહીર ઉર્ફે કાલીને 59,000 અસલી ચલણી નોટો આપી હતી અને તેના બદલામાં 1,59,500ની નકલી ચલણી નોટો મેળવી હતી. આરોપીએ એ પણ જણાવ્યું કે, આ નકલી ચલણી નોટો તે બજારમાં ટુકડે-ટુકડે સરસામાનની ખરીદી કરીને ચલણમાં ફરતી કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *