સુરતના ડિંડોલી ખાતે બે કોલેજીયન યુવતિના સ્યુસાઇડમાં ખુલાસો
સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળ્યા હતા મૃતદેહ
રિલેશનશીપ તુટી જતા અંતિમ પગલુ ભર્યુ હોવાનો ખુલાસો
સુરતના ડિંડોલી ખાતે આવેલ આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કોલેજીયન યુવતિના મૃતદેહ મળવાની ઘટનામાં બન્ને વિદ્યાર્થીનીઓએ એનેસ્થેસિયાના ઈન્જેકશન મારી આપઘાત કર્યુ હોવાનુ અને બન્નેની 15 દિવસમાં જ રિલેશનશીપ તુટી જતા અંતિમ પગલુ ભર્યુ હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયુ છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરાતા તેઓ આત્મિય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી હતી. તો પોલીસ તપાસમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ તો હવે પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી.
ચોંકાવનારી વિગત એ છે કે, આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા, જેણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસે જ્યારે બંને વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમાં કેટલીક મહત્વની ચેટ્સ મળી આવી હતી જે સીધો ઈશારો તેમના પ્રેમસંબંધોના અંત તરફ કરતી હતી. આ ઉપરાંત, પોલીસે તેમના મિત્રવર્તુળની પણ પૂછપરછ હાથ ધરી અને અનેક મિત્રોના નિવેદનો નોંધ્યા હતા. આ તમામ પુરાવાઓ અને નિવેદનોના આધારે હવે પોલીસ એદિશામાં વધુ તપાસ ચલાવી રહી છે કે શું આ આત્મહત્યા પાછળ અન્ય કોઈ દબાણ કે કારણો જવાબદાર હતા કે કેમ.

