તાપીમાં થર્મલ પાવર સ્ટેશન પ્લાન્ટની રાખનું સામ્રાજ્ય
નિયમોના નામે મીંડું – રસ્તાઓ પર રાખના ગોટા ઉડ્યા
જનતાના આરોગ્ય સાથે ખતરનાક ખેલ
તાપી જિલ્લામાં વિકાસના નામે વિનાશનો ખેલ ખેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. થર્મલ પાવર સ્ટેશન પ્લાન્ટમાંથી નીકળતી ઝેરી રાખ એટલે કે ‘ફ્લાય એશ’ એ ગ્રામજનોનું જીવવું હરામ કરી દીધું છે. નામ પૂરતી તાડપત્રી ઢાંકીને દોડતા ડમ્પરો રસ્તાઓ પર રાખના ગોટા ઉડાડી રહ્યા છે. ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને લોકોના ફેફસાંમાં ઝેર ભરાઈ રહ્યું છે. શું તંત્ર ઘોર નિદ્રામાં છે? જુઓ અમારો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.
આ દ્રશ્યો કોઈ રેગિસ્તાનના નથી, પણ તાપી જિલ્લાના ગામડાઓના છે. જ્યાં થર્મલ પાવર પ્લાન્ટની રાખે આખું ગામ ‘સફેદ’ કરી દીધું છે. નિયમ કહે છે કે રાખ ભરેલા વાહનો સંપૂર્ણ ‘સીલ’ હોવા જોઈએ, પણ અહીં તો ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે. તાડપત્રી બાંધવા છતાં ડમ્પરમાંથી સતત રાખ રસ્તા પર ખરતી રહે છે, જે પાછળ આવતા વાહનચાલકો માટે ‘મોતનું છટકું’ બની રહી છે. ગામ ના રહીશો કંટાળી ગયા છીએ! આખો દિવસ ધૂળ અને રાખ ઉડે છે. રસ્તાઓ તો આ ડમ્પરોએ તોડી નાખ્યા છે, હવે ચાલવું પણ મુશ્કેલ છે. છોકરાઓ બીમાર પડી રહ્યા છે, પણ પ્લાન્ટવાળાને તો બસ કમાણીમાં જ રસ છે. અમારે કોને કહેવું ? ભારેખમ ડમ્પરોની અવરજવરથી ગામના આંતરિક રસ્તાઓ ગરનાળાની જેમ બેસી ગયા છે. ધૂળની ડમરીઓ વચ્ચે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને કયા રિપોર્ટ તૈયાર કરે છે તે એક મોટો સવાલ છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ? આ રસ્તાની હાલત અને હવામાં ઉડતી આ ઝેરી રાખ. કંપની દાવો કરે છે કે તેઓ નિયમ પાળે છે, પણ વાસ્તવિકતા આ ગામની ગલીઓમાં દેખાઈ રહી છે. તૂટેલા રસ્તા અને પ્રદૂષિત હવા હવે ગ્રામજનોની ધીરજની કસોટી કરી રહ્યા છે. જો વહેલી તકે આ ડમ્પરો પર રોક નહીં લગાવાય અથવા વૈકલ્પિક રસ્તો નહીં કઢાય, તો આક્રોશ ફાટી નીકળે તો નવાઈ નહીં.

