બારડોલી: મઢી સુગર ફેક્ટરીની ચૂંટણી
સહકાર પેનલ દ્વારા ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભરાયા
આશરે ૧૯ હજાર સભાસદ ખેડૂતો ધરાવતી દક્ષિણ ગુજરાતની અગ્રણી સંસ્થા શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ.ની સામાન્ય ચૂંટણીનો ઉત્સાહવર્ધક પ્રારંભ થયો છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે સહકાર પેનલ દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પેનલના પૂર્વ પ્રમુખ સમીર ભક્તની આગેવાની હેઠળ એક-બે ઝોનને બાદ કરતા લગભગ તમામ ઝોનના દાવેદારોએ એકજૂથ થઈને પોતાના ફોર્મ જમા કરાવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ માધ્યમો સાથેની ખાસ વાતચીતમાં સહકાર પેનલના આગેવાને જણાવ્યું હતું કે, “છેલ્લા ૧૦ વર્ષમાં સહકાર પેનલે મઢી સુગરની પ્રતિષ્ઠા, પ્રગતિ અને નાણાકીય સદ્ધરતાને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. સંસ્થા આજે જે વિકાસના પંથે આગળ વધી રહી છે તે સભાસદોના અડીખમ વિશ્વાસ અને સહકારનું જ પરિણામ છે.”
તેમણે તમામ સભાસદ ખેડૂતોને કોઈપણ પ્રકારની આક્ષેપબાજી કે ગેરમાર્ગે દોરવનારા પ્રચારોથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સભાસદો ખૂબ જ જાગૃત છે અને તેઓ સારી રીતે જાણે છે કે કોણ સંસ્થાના સાચા હિત માટે કામ કરી રહ્યું છે અને કોણ માત્ર ચૂંટણીલક્ષી આક્ષેપો કરે છે. આવનારા ૫ વર્ષ ખેડૂતો અને સભાસદો માટે વધુ સમૃદ્ધિદાયી બને તેમજ સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ રહે તે માટે સહકાર પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા તેમણે ભાવભરી વિનંતી કરી હતી….

