ચિમેર ગામમાં ચૂંટણી બહિષ્કારનો રણશિંગો
કામ નહીં તો વોટ નહીં” ના નારા સાથે ગ્રામજનોમાં ભારે રોષ
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓ મતોની જોળી ફેલાવીને ગામડાઓમાં ફરશે, પરંતુ ચિમેર ગામના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા ચિમેરના ગ્રામજનોનો સંયમ હવે
ખૂટ્યો છે. પીવાના પાણીની વિકટ સમસ્યા અને બદતર રોડ-રસ્તાની હાલતને લઈ સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. ગળા સુધી પાણીની અછત અને ખાડામાં રસ્તા ગામની ગલીએ ગલીએ અત્યારે માત્ર બે જ ચર્ચા છે: પાણી અને રસ્તા.પાણીની તંગી: સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવા માટે શુદ્ધ પાણી મેળવવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. મહિલાઓને પાણી માટે દૂર-દૂર ભટકવું પડે છે. ગામના રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અહીંથી પસાર થવું એટલે હાડકાં ખોખરા કરવા. માંદગીના સમયે એમ્બ્યુલન્સ આવવામાં પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ ગામના વડીલો અને યુવાનોએ એકસૂરે હુંકાર કર્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે: “અત્યાર સુધી અમે ખોટા વાયદાઓથી છેતરાયા છીએ, પણ હવે નહીં. જે નેતા કે પક્ષ અમારા ગામના પાણી અને રસ્તાનો પ્રશ્ન હલ કરવાની ખાતરી (લેખિતમાં) આપશે અને કામ શરૂ કરશે, તેને જ અમારો કિંમતી મત મળશે.
ગામમાં લોકચર્ચા છે કે જો વહેલી તકે કોઈ નક્કર પરિણામ નહીં મળે, તો ચિમેર ગામ આ વખતે ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામશે. “નો કામ, નો વોટ” ના સૂત્રોચ્ચાર સાથે લોકોએ રાજકીય પક્ષોના હોશ ઉડાવી દીધા છે. શું આનાથી સત્તાધીશો જાગશે ખરા? ચૂંટણી ટાણે મોટા-મોટા વાયદાઓ કરીને જતા રહેતા નેતાઓ સામે ચિમેરની જનતાએ લાલ આંખ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને રાજકારણીઓ આ આક્રોશને પારખીને કામ કરે છે કે પછી ચિમેરના લોકો આ વખતે પરિવર્તનનો કે બહિષ્કારનો રસ્તો અપનાવે છે…..

