Site icon hindtv.in

સુરેન્દ્રનગરના પાટડીમાં જમીન ફાળવણીના વિરોધમાં અગરિયાઓની એકતા સભા

સુરેન્દ્રનગરના પાટડીમાં જમીન ફાળવણીના વિરોધમાં અગરિયાઓની એકતા સભા
Spread the love

સુરેન્દ્રનગરના પાટડીમાં જમીન ફાળવણીના વિરોધમાં અગરિયાઓની એકતા સભા
અગર બચાવો, અગરિયા બચાવોના નારા સાથે આરપારની લડાઈનું એલાન
ખાનગી કંપનીને જમીન ફાળવવાના વિરોધમાં એકઠા થયા હજારો અગરિયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ખારાઘોડા રણમાં વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓ અને તંત્ર વચ્ચે મોટો ગજગ્રાહ સામે આવ્યો છે. ખાનગી કંપનીને જમીન ફાળવવાના વિરોધમાં હજારો અગરિયા એકઠા થયા છે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં સરકારી સંસ્થા હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા રણની જમીન એક ખાનગી કંપનીને ફાળવી દેવામાં આવતા સ્થાનિક અગરિયાઓમાં ભારે રોષ ફેલાયો છે. આ જમીન ફાળવણીના કારણે સદીઓથી રણમાં પરસેવો પાડીને દેશને મીઠું પૂરું પાડતા શ્રમિકોની રોજીરોટી જોખમમાં મુકાઈ ગઈ છે. ખાનગી કંપનીએ રણમાં પોતાની કામગીરી શરૂ કરીને મોટા પાળા બાંધવાનું શરૂ કર્યું હતું. આ પાળા બાંધવાના કારણે આસપાસના અંદાજે 400 જેટલા અગરિયા પરિવારોના મીઠાના અગરોને સીધી અસર થઈ છે. તેમનો રસ્તો અને પાણીનો કુદરતી પ્રવાહ અટકી જતાં અગરિયાઓ એકઠા થઈને રણમેદાનમાં પહોંચ્યા હતા અને કંપનીની કામગીરી સ્થળ પર જ અટકાવી દીધી હતી. અગરિયાઓનો આક્ષેપ છે કે આ પ્રકારની મનસ્વી કામગીરીથી અગરિયાઓની રોજીરોટી સંકટમાં મૂકાઈ ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં જમીન ફાળવણીના વિરોધમાં અગરિયાઓની એકતા સભા યોજાઈ હતી જેમાં અગર બચાવો, અગરિયા બચાવોના નારા સાથે આરપારની લડાઈનું એલાન કરાયું છે.

આ મામલો વધુ ઉગ્ર બનતા અગરિયાઓના અગ્રણીઓએ સ્થાનિક ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને માગ કરી છે કે ખાનગી કંપનીને અપાયેલી મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવે. જો અગરિયાઓના હક્કનું રક્ષણ નહીં થાય તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે. હાલ પૂરતું વહીવટી તંત્ર દ્વારા કામગીરી સ્થગિત કરાવવામાં આવી છે, પરંતુ રણમાં હજુ પણ તણાવપૂર્ણ શાંતિ અને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version