ત્યાગ, બલિદાન અને સમર્પણના પ્રતીક સમાન ઇદ-ઉલ-અઝહા
ગુજરાતમાં હર્ષોલ્લાસ અને કોમી સૌહાર્દના વાતાવરણમાં બકરી ઇદ સંપન્ન
લોકોએ એકબીજાને ગળે મળીને ઇદની મુબારકબાદી પાઠવી
ત્યાગ, બલિદાન અને સમર્પણના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ) સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થયો છે. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદો અને ઈદગાહ ખાતે સમૂહ નમાઝ અદા કરવા માટે એકત્રિત થયા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી અને લોકોએ એકબીજાને ગળે મળીને ઇદની મુબારકબાદી પાઠવી હતી.
દેશભરમાં આજે બકરા ઈદ (Eid al-Adha)નો પવિત્ર તહેવાર શ્રદ્ધા, ભાઈચારાં અને ઉત્સાહભેર ઉજવાયો હતો. વહેલી સવારથી જ દેશની વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ખાસ ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને કોમી એકતા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. સુરત શહેરમાં પણ બકરા ઈદને લઈ વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરની તમામ મુખ્ય મસ્જિદો અને ઈદગાહોમાં નમાજીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. નમાજ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી.
બાળકોમાં પણ તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બકરા ઈદના અવસરે લોકોમાં ભાઈચારું, પ્રેમ અને એકતાનો સંદેશ જોવા મળ્યો હતો.

