Site icon hindtv.in

અમરેલી રાજુલા અને ખાંભા પંથકમાં ભૂકંપનો આંચકો

અમરેલી રાજુલા અને ખાંભા પંથકમાં ભૂકંપનો આંચકો
Spread the love

અમરેલી રાજુલા અને ખાંભા પંથકમાં ભૂકંપનો આંચકો
મોડી રાત્રે 2:24 કલાકે ધરા ધ્રૂજતા લોકોમાં ભય
રિક્ટર સ્કેલ પર 3.7 ની તીવ્રતા નોંધાઈ

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગત 9 એપ્રિલ મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાને લઇ સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 35 કિમિ દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી હતી, રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સ્થાનિક રહેવાસી આરીફ સેલોતે જણાવ્યું હતું કે, રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યાર બાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું. પીપાવાવ રોડ પર ઉભેલા ટ્રક ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું કે, અમે ગાડી પાર્ક કરીને સૂતા હતા ત્યારે, અચાનક ગાડી હલવા લાગી. અમને લાગ્યું કે કોઈ વાહન અથડાયું હશે, પણ બહાર જોયું તો લોકો ‘ધરતીકંપ આવ્યો’ની બૂમો પાડતાં દોડી રહ્યા હતા.

ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરી અને ધ્રુજારીના દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના CCTV કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. સદનસીબે, આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version