સુરતમાં દારૂડિયાઓએ પરાક્રમ કર્યુ
આયુર્વૈદિક ગરનાળા પાસે ટ્રાફિક પોલીસે રોકતા ગાડી સળગાવી
પેટ્રોલની પાઈપ ખોલી બાઈકને આગ ચાપી દીધી
સુરતમાં દારૂડિયાઓએ પરાક્રમ કર્યુ હતું. આયુર્વૈદિક ગરનાળા પાસે ટ્રાફિક પોલીસે રોકતા ડબલ સવારી વાહન ચાલકે હેલ્મેટ નહી પહેરી હોય જે મામલે દંડ ભરવાનુ કહેતા પેટ્રોલની પાઈપ ખોલી બાઈકને આગ ચાપી દીધી હતી. તો બાઈક બળી ગયા બાદ લોકોએ એકને દબોચી લીધો હતો જ્યારે બીજો ભાગી છુટ્યો હતો.
ટ્રાફિક પોલીસની ટીમ સુરત રેલવે સ્ટેશનથી આગળ આયુર્વેદિક ગરનાળા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરાવી રહી હતી. સાડા અગિયાર વાગ્યે ટ્રાફિક કોન્સ્ટેબલ મયૂરભાઈ ડાયાભાઈએ વરાછા તરફથી ડબલ સવારી અને હેલ્મેટ વિના આવેલા બાઇકસવારોને રોક્યા હતા. ચાલકને હેલ્મેટ નહિ પહેરવા બદલ દંડ ભરવાનું કહેતાં જ તે અને તેનો સાથીદાર પોલીસ સાથે માથાકૂટ કરવા મંડી પડ્યા હતા. થોડીક રકઝક બાદ પાછળ બેસેલા શખ્સે ચાલકને માચિસ આપી સળગાવી દે કહેતાં જ ચાલકે બાઇકની પેટ્રોલ ટાંકી પાસે આવેલી પાઈપ કાઢી નાંખી હતી અને માચિસ સળગાવી આગ ચાંપી દીધી હતી. અણધારી ઘટનાની ટ્રાફિક પોલીસની સાથે લોકો પણ ચોંકી ગયા હતા. પોલીસે આગને કાબૂ કરવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થયું હતું. બીજી તરફ પોતાની જ બાઇકને આગ લગાવનાર ચાલકને ટોળાંએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો. યુવકે પોતાનું નામ વરાછા મારૂતિનગર ખાતે રહેતો બહાદુર હરદયાલ નિશાદ હોવાનું જણાવ્યું હતું. લોકોએ પકડ્યો ત્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. ભાગી છૂટેલો શખ્સ તેનો મિત્ર શિવમ હોવાનું જણાવતાં મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મયૂર ડાયાભાઈની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.