ભાવનગરના લાખણકા દરિયાકિનારે ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે ખનન ઝડપાયું
સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન કરતા લોડર-ટ્રેક્ટર ડ્રોનમાં કેદ
ડ્રોન દેખાતાં જ મશીનરી ચાલકો વાહનો લઈ ફરાર
ખાણ-ખનિજ વિભાગે પુરાવા એકત્ર કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. લાખણકા ગામના દરિયા કિનારે ડ્રોન સર્વેલન્સ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન ઝડપાયું છે. ડ્રોન કેમેરામાં ગેરકાયદે ખનન કરતા લોડર અને ટ્રેક્ટર-ટ્રોલી સહિતની મશીનરી કેદ થઈ હતી. જોકે, ડ્રોન નજરે પડતાં જ મશીનરીના ચાલકો વાહનો લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે બે સહિત તપાસમાં સામે આવનારા શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ભાવનગરના લાખણકા ગામના દરિયાકિનારે ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ગત 21 સપ્ટેમ્બરના રોજ ભૂસ્તરશાસ્ત્રી કચેરીની ટીમ દ્વારા થળસરથી લાખણકા દરિયા કિનારા સુધીના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગાંધીનગરની ડ્રોન સર્વેલન્સ ટીમની મદદથી વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરામાં લાખણકા દરિયાકિનારે સાદી રેતીનું ગેરકાયદે ઉત્ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું હતું. ફૂટેજમાં એક લોડર મશીન તેમજ સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર-ટ્રોલી સાથે રેતીનું વહન કરતા નજરે પડ્યા હતા. ઘટનાસ્થળે ચાર મોટરસાયકલ અને કેટલાક શખસો પણ હાજર હોવાનું ડ્રોન ફૂટેજમાં કેદ થયું હતું. જોકે, આકાશમાં ડ્રોન જોતાં જ મશીનરી અને ટ્રેક્ટર ચાલકો વાહનો લઈને ખોદકામના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ખાણ-ખનિજ વિભાગની ટીમે ગામ તરફ વાહનોની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ વાહન મળી આવ્યું નહોતું. ડ્રોનના વીડિયો ફૂટેજના આધારે એક ટ્રોલીનો નંબર GJ-04-W-8002 તેમજ બે મોટરસાયકલના નંબર GJ-04-ES-2100 અને GJ-04-BP-6545 સ્પષ્ટ થયા હતા. સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજ પુરાવા તરીકે પોલીસને સોંપવામાં આવ્યા છે. પાસ-પરમિટ વગર સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન કરવાના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મશીનરી અને વાહનચાલકો સહિત તપાસમાં સામે આવનારા તમામ શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે…

