બારડોલીના નાડીદા ગામે મિઢોળા નદી કિનારે મરેલા મરઘા
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના પગલે ઊભા થયેલ ભય
ટેમ્પો ભરીને મરેલા મરઘા ફેંકાતા તંત્ર દોડતું થયું
બારડોલીના નાડીદા ગામે મિઢોળા નદી કિનારે ટેમ્પો ભરીને મરેલા મરઘા ફેંકાતા તંત્ર દોડતું થયું હતું.
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના પગલે ઊભા થયેલા ભયનો ઓછાયો હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. બારડોલી તાલુકાના નાડીદા ગામમાંથી પસાર થતી મિઢોળા નદી કિનારે અજાણ્યા ઇસમો દ્વારા મોટા પ્રમાણમાં મરેલા મરઘાઓનો નિકાલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. બારડોલીના નાડીદા ગામની સીમમાંથી પસાર થતી મિઢોળા નદીના કિનારે કેટલાક અજાણ્યા ઇસમો ટેમ્પો ભરીને આવ્યા હતા. આ ઇસમો નદી કિનારે જાહેર જગ્યા પર મરેલા મરઘાઓનો જથ્થો ફેકી ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જોઈને નાડીદા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. નદી કિનારે ખૂબ જ મોટી સંખ્યામાં મરેલા મરઘા મળી આવતા તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સક ની મદદ લેવામાં આવી હતી. ગ્રામપંચાયત દ્વારા અજાણ્યા ટેમ્પો ચાલકો અને સંબંધિત ઇસમો વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન માં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

