Site icon hindtv.in

સુરતમાં દિનદહાડે લુંટની ઘટના

સુરતમાં દિનદહાડે લુંટની ઘટના
Spread the love

સુરતમાં દિનદહાડે લુંટની ઘટના
મોરાભાગળ પાસે જાહેર રોડ પર કારમાંથી 35 લાખની લુંટ
કિમના બે સગાભાઈઓની કારમાંથી 35 લાખની લુંટ

સુરતમાં દિનદહાડે લુંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મોરાભાગળ પાસે જાહેર રોડ પર કિમના બે સગાભાઈઓની કારમાંથી 35 લાખની લુંટ ચલાવાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં લુંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. વાત એમ છે કે કીમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શિવરત્ન અને અંકિત નામના બે સગા ભાઈઓ ભાગળ ચાર રસ્તા પાસે આવેલી એક આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા. તેઓ પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને કીમ તરફ જવા રવાના થયા હતા. જોકે, આ ભાઈઓ અજાણ હતા કે, જે ક્ષણે તેમણે આંગડિયામાંથી બેગ ઉપાડી હતી, ત્યારથી જ ચાર શિકારીઓ તેમની પાછળ લાગી ગયા હતા. લૂંટારૂઓએ આંગડિયા પેઢીથી જ તેમનો પીછો શરૂ કર્યો હતો. ફોર્ચ્યુનર કાર રામનગર ચાર રસ્તા અને મોરાભાગળની વચ્ચે આવેલા પ્રકાશ મોબાઈલ સ્ટોર પાસે પહોંચી ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે શખસોએ જાણી જોઇને કારને ટક્કર મારી હતી. કારને નુકસાન થતા જ શિવરત્ન અને અંકિત નીચે ઉતર્યા હતા. આ તકે બાઈક સવારોએ લડાઈ શરૂ કરી દીધી હતી અને એવો ઢોંગ કર્યો હતો કે, તેમને ગંભીર ઈજા થઈ છે. બંને ભાઈઓને વાતોમાં એવી રીતે ગૂંચવી નાખ્યા કે તેમનું ધ્યાન કાર પરથી હટી ગયું હતું. જ્યારે બંને ભાઈ અકસ્માત મામલે દલીલો કરી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય બે લૂંટારૂઓ એક્ટિવા પર હેલ્મેટ પહેરી ધસી આવ્યા હતા. એક લૂંટારૂ એક્ટિવા પર તૈયાર ઊભો રહ્યો અને બીજા એક લૂંટારૂએ ફોર્ચ્યુનરની ડ્રાઈવર સીટની પાછળનો કાચ પથ્થર કે અન્ય હથિયારથી તોડી નાખ્યો હતો.

કાચ તૂટતાની સાથે જ તેણે અંદર રાખેલી 35 લાખ ભરેલી બેગ ઉપાડી અને એક્ટિવા પર બેસીને ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતા જ બંને ભાઈ લૂંટારૂઓ પાછળ દોડ્યા હતા. પરંતુ પકડમાં ન આવતા જ એક ભાઈ પરત આવ્યો અને ફોર્ચ્યુનર લઈને એક્ટિવાનો ફિલ્મી સ્ટાઈલમાં પીછો કર્યો હતો, પરંતુ સાંકડી ગલીઓ અને ટ્રાફિકનો લાભ લઈ એક્ટિવા સવાર લૂંટારૂઓ આંખના પલકારે અદ્રશ્ય થઈ ગયા હતા. પોલીસને પ્રાપ્ત થયેલા સીટીટીવી ફૂટેજમાં લૂંટારૂઓએ ચહેરો છૂપાવવા હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. જે રીતે તેમણે ગાડીનો કાચ તોડ્યો અને જે સ્ફ્રૂર્તિથી બેગ લઇને ભાગ્યા તે જોતા આ કોઈ રીઢા ગુનેગારોની ગેંગ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે આ ફૂટેજને આધારે વિવિધ રસ્તાઓ પરના કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું છે જેથી લૂંટારૂઓ કયા રૂટ પર ભાગ્યા તેની ચોક્કસ માહિતી મળી શકે. હાલતો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Exit mobile version