માંડવીમાં વરસાદ બાદ ખેડૂતોને નુકસાન
ધારાસભ્ય કુંવરજી હળપતિએ ખેતરની મુલાકાત લીધી
સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરસાદી નુકસાની અંગે ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા ખેતર મુલાકાત લેતા અધિકારીઓને સાથે રાખે સર્વે કામગીરી બાબતે સૂચન કરાયું, તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી નુકશાની નું સર્વે કરી સહાય ચૂકવવા યોગ્ય રજુઆત કરવામાં આવી.
ગતરોજ કમોસમી વરસાદ અને માવઠાના કારણે માંડવી તથા અરેઠ તાલુકા વિસ્તારના ખેડૂતોને ખેતીપાકમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ પૂર્વ મંત્રી તથા હાલના ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના અમલસાડી ગામ સહિતના વિસ્તારોમાં ખેતરોની મુલાકાત કરી હતી. તેઓ સાથે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ સેવક તથા સરપંચ પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યએ ખેડૂતો સાથે મળીને પાકના નુકસાની અંગે માહિતી મેળવી હતી અને તાત્કાલિક સર્વે હાથ ધરવાની સૂચના આપી હતી. ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે, તેથી મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.સરકારી પ્રશાસન દ્વારા હાલ પાંચ દિવસ સુધી અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. માંડવી અને અરેઠ તાલુકામાં મળીને અંદાજે ૪૫૦૦ હેકટર વિસ્તારમાં ખેતીપાકનું વાવેતર થયું હતું, જેમાં મોટા પાયે ડાંગર, કઠોળ અને શાકભાજી પાકને નુકસાન થયું છે. સરકારના ધોરણ મુજબ જો ૩૩ ટકા કરતા વધુ નુકસાન થયેલ હોવાનું સર્વેમાં જણાશે તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે
