ઇચ્છાપોર ઓએનજીસી કંપનીમાં લાખોની કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા
ઇચ્છાપોર પોલીસે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા
ચોરીના ગુનામાં લાખોનો મુદ્દામાલ કબજે કરાયો
સુરતના ઇચ્છાપોરમાં આવેલી ઓએનજીસી કંપનીમાંથી લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતની ઓએનજીસી કંપનીમાં થયેલી લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીનો ભેદ ઈચ્છાપોર પોલીસે ઉકેલી કાઢ્યો હતો. ઓએનજીસી કંપનીના બે અલગ-અલગ પ્રોજેક્ટ માટે વેરહાઉસમાં રાખવામાં આવેલા 54,87,601 થી વધુની કિંમતના કોપર વાયરની ચોરી થતા પોલીસને જાણ કરાઈ હતી. જેથી ચોરીના બનાવને ગંભીરતાથી લઈને ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા સાથે બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઓએનજીસીમાંથી ચોરાયેલા કોપર વાયરનું વેચાણ કરવા માટે આરોપીઓ સચિન ગાયકવાડના ભંગારના ગોડાઉનમાં પહોંચ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી છ ચોરો અજય સંગાડા, અલેશકુમાર સંગાડા, જયેશ સંગાડા, નિલેશ પારગી વિજય માવી અને સચીન ગાયકવાડને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી 185 એસકયું એમએમના 7 મીટર અને 50 એસકયું એમએમ ના 242 મીટર કોપર વાયર ઉપરાંત એલ્યુમિનિયમની સીડી, હેક્સો બ્લેડ, કટર, ઇકો ગાડી અને ચાર મોબાઇલ ફોન સહિત 5,81,945 થી વધુનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

